ભારતની આ સફળતાથી ચીનને પેટમાં તેલ રેડાયું, આથી બોર્ડર પર વધારી રહ્યું છે તણાવ

અનેક દોરની કૂટનીતિક બેઠકો અને ચર્ચાઓ બાદ પણ ભારત (India) અને ચીન (China) ની સેનાઓ વચ્ચે લદાખ (Ladakh) માં ચાલી રહેલો તણાવ ઓછો થવાનું નામ લેતો નથી. બંને બાજુથી મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો થયો છે. પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી બંનેની સરહદે એટલે કે 4056 કિમી લાંબી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર કોઈ ઘટના ઘટી નથી. 22મી મેના રોજ ભારતીય સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણેએ પણ લેહ જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. સ્પષ્ટ છે કે હાલાત 2017માં સિક્કિમ સરહદે 73 દિવસ સુધી ચાલેલા ડોકલામ તણાવથી ઓછો ગંભીર જરાય નથી. અહેવાલો મુજબ ગલવાન નદી અને પેન્ગાંગ ઝીલના કિનારે બંને તરફ હજારો સૈનિકો ભેગા થયા છે. 

ભારતની આ સફળતાથી ચીનને પેટમાં તેલ રેડાયું, આથી બોર્ડર પર વધારી રહ્યું છે તણાવ

નવી દિલ્હી: અનેક દોરની કૂટનીતિક બેઠકો અને ચર્ચાઓ બાદ પણ ભારત (India) અને ચીન (China) ની સેનાઓ વચ્ચે લદાખ (Ladakh) માં ચાલી રહેલો તણાવ ઓછો થવાનું નામ લેતો નથી. બંને બાજુથી મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો થયો છે. પરંતુ રાહતની વાત એ છે કે હજુ સુધી બંનેની સરહદે એટલે કે 4056 કિમી લાંબી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર કોઈ ઘટના ઘટી નથી. 22મી મેના રોજ ભારતીય સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણેએ પણ લેહ જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. સ્પષ્ટ છે કે હાલાત 2017માં સિક્કિમ સરહદે 73 દિવસ સુધી ચાલેલા ડોકલામ તણાવથી ઓછો ગંભીર જરાય નથી. અહેવાલો મુજબ ગલવાન નદી અને પેન્ગાંગ ઝીલના કિનારે બંને તરફ હજારો સૈનિકો ભેગા થયા છે. 

સૈન્ય જમાવડો
ગલવાન ઘાટીમાં ચીન મોટી સંખ્યામાં પોતાના બોર્ડર ડિફેન્સ રેજિમેન્ટના સૈનિકોને આગળ લાવ્યું છે. આ સાથે જ સૈનિકોના રહેવાની જગ્યા બનાવવા માટે ભારે ઉપકરણ પણ આગળ લાવ્યું છે. અનેક સેટેલાઈટ ઈમેજમાં ચીની સેનાના ટેન્ક અને ગાડીઓ સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે. ગલવાન નદી કારાકોરમ પહાડમાંથી નીકળીને અક્સાઈ ચીનના મેદાનોમાં થઈને વહે છે. જેના પર ચીને 1950ના દાયકામાં ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. ચીન પહેલેથી માનતું આવ્યું છે કે તેનો વિસ્તાર નદીના પૂર્વ સુધી જ છે પરંતુ 1960થી તેણે આ દાવાને નદીના પશ્ચિમ કિનારા સુધી વધારી દીધો. જુલાઈ 1962માં ગુરખા સૈનિકના એક પ્લાટૂને જ્યારે ગલવાન ઘાટીમાં પોતાનો કેમ્પ બનાવ્યો તો ચીની સેનાએ તેને ઘેરી લીધો.  તે 1962ના યુદ્ધની સૌથી લાંબી ઘેરાબંધી હતી. જે 22 ઓક્ટોબર સુધી ચાલુ રહી. ત્યારે ચીની સેનાએ ભારે ગોલાબારી કરીને પોસ્ટ તબાહ કરી નાખી હતી. યુદ્ધ બાદ પણ ચીની સેના તે સરહદ સુધી જ પાછી ગઈ જે તેણે 1960માં નક્કી કરી હતી એટલે કે ગેરકાયદે કબ્જો યથાવત રાખ્યો. આ વખતે પણ ચીને પોતાના સૈનિકોને તે જગ્યા સુધી જ તૈનાત કરી દીધા છે. જે તેના દાવા મુજબ તેની સરહદ એટલે કે ચાઈનીઝ ક્લેમ લાઈન છે. 

ચીનના દાવાથી દુરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી (DS-DBO) પર જોખમ
ચીનની આ ક્લેમ લાઈન ભારતીય દાવા મુજબ 2 કિમી સુધી ભારતીય સરહદની અંદર શ્યોક ઘાટીના પહાડોની પાસે સુધી છે. ગલવાન નદી આગળ જઈને શ્યોક નદીમાં મળે છે જે પીઓકેમાં જઈને સિંધને મળે છે. ગલવાન નદી પર ચીની દાવો તે દુરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડી (DS-DBO) રસ્તાને જોખમમાં નાખશે જેને ભારતે ખુબ મુશ્કેલીઓ સહીને 2019માં ખોલ્યો હતો. જો આમ થયું તો લદાખમાં સૌથી દૂર સ્થિત સૈનિક તૈનાતી દૌલત બેગ ઓલ્ડી અલગ થલગ થઈ જશે. અહીં ભારતે મે 2008માં રનવે પર AN 32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉતાર્યું હતું. અને ત્યારબાદ C 130 J સુપર હર્ક્યુલિસ જેવા એરક્રાફ્ટ પણ ઉતરવા લાગ્યા છે. અહીંના અનેક વિસ્તારો પર ચીન દાવો ઠોકે છે અને એપ્રિલ 2013માં અહીં અનેક દિવસો સુધી તણાવ રહ્યો હતો. આથી ભારત કોઈ પણ કિંમતે ચીનનો આ દાવો માનવા માટે તૈયાર નથી. 

ભારતના LAC પર ઈન્ફ્રાસ્ટ્રેક્ચર પ્રોજેક્ટ્સથી ચીનને પેટમાં દુ:ખે છે
જો કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઉનાળામાં LAC પર અનેકવાર ઝડપ થતી રહે છે પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. જેનું કારણ છે ભારત જે ઝડપથી LAC પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે તે છે. ભારત-ચીન વચ્ચે 1962માં થયેલા યુદ્ધ બાદ ચાર દાયકાથી વધુ સમય સુધી LAC પર કોઈ જ રસ્તો કે પુલ બનાવવામાં આવ્યો નથી. આ એક એવી રણનીતિ હેઠળ કરાયું કે જેના પર આજે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એવી રણનીતિ હતી કે કોઈ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ન કરવું એટલે કે એક પ્રકારે સ્ક્રોર્ચ્ડ અર્થ પોલિસી (Scorched Earth Policy). પરંતુ 2006માં ભારતે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કરતા હિમાલયના વિસ્તારોમાં 73 વ્યુહાત્મક રીતે મહત્વના રસ્તાઓ બનાવવાનું કામ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને સોંપી દીધુ. જો કે તેની ઝડપ મંદ હતી પરંતુ 2014માં આવેલી નવી સરકારે પણ આ કામ ચાલુ રાખ્યું. 

44 મહત્વના રસ્તાઓ બનાવવાની જાહેરાત
ભારતે જાન્યુઆરી 2019માં LAC સુધી ઝડપથી સૈનિક સાધન સામગ્રી પહોંચાડવા માટે 21000 કરોડ રૂપિયાના ખર્ચે 44 રણનીતિક રીતે મહત્વના રસ્તાઓ બનાવવાની જાહેરાત કરી. આ રસ્તાઓ સમગ્ર LAC એટલે કે લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં બનશે. લદાખમાં રણનીતિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ દોલત બેગ ઓલ્ડી સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલો 255 કિમી લાંબી દુરબુક-શ્યોક, દોલતબેગ ઓલ્ડી એટલે કે DS-DBO  રોડ પણ ગત વર્ષ એપ્રિલમાં ઉપયોગ માટે ખુલ્લો મૂકાયો. આ રોડ દ્વારા ડેપસાંગ મેદાન, રૂકી નાળા થઈને કારાકોરમ સુધી સરળતાથી અને ખુબ જ ઓછા સમયમાં પહોંચી શકાય છે. એટલે કે જે મુસાફરી 90ના દાયકામાં 20 દિવસમાં પૂરી થતી હતી તે હવે 12 કલાકમાં પૂરી કરી શકાય છે. દોલત બેગ ઓલ્ડી જેને ભારતીય સેના સબ સેક્ટર નોર્થ કહે છે તેમા સૈનિકો અને સાધન સામગ્રી પહોંચાડવા માટે હવે આખુ વર્ષ વિમાનનો ઉપયોગ કર્યા વગર રોડનો ઉપયોગ થઈ શકે છે. 

હાલના તણાવની જગ્યા ગલવાન ઘાટી સુધી પહોંચવાનો રસ્તો પણ આ જ રોડના કારણે સરળ થયો છે. સ્પષ્ટ છે કે એલએસી પર ઝડપથી થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણથી ચીન પરેશાન છે કારણ કે તેનાથી એલએસી પર તેની હવે મજબુત રહેલી સ્થિતિ નબળી પડી રહી છે. 

LAC પર 17 ટનલ બનાવવાની પણ શરૂઆત
રસ્તાઓ ઉપરાંત 2017માં ભારતે એલએસી પર 17 રણનીતિક ટનલ બનાવવાની પણ શરૂઆત કરી. જેમાં લદાખ સુધી સમગ્ર વર્ષ અવરજવર ખુલ્લી રહે તે માટે મનાલીથી લેહ વચ્ચે લાચુંગ લા, બારાલાચ લા અને તંગલાંગ લા ઉપરાંત શ્રીનગરથી લદ્દાખને જોડનારા જોજિલા પાસ બનનારી ટનલ પણ સામેલ છે. આમાંથી જ એક ટનલ અરૂણાચલ પ્રદેશના સેલા પર બની રહી છે. જેનું કામ ગત વર્ષ ફેબ્રુઆરીમાં શરૂ થઈ ગયુ છે. સેલા એ જ જગ્યા છે જ્યાં 1962માં ભારતીય સેનાએ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટનલથી આસામના તેજપુરથી એલએસી સુધી પહોંચવું ખુબ જ સરળ બની જશે. સિક્કિમમાં પણ રણનીતિક રીતે મહત્વપૂર્ણ ટનલ આ સૂચિમાં સામેલ છે. 

માનસરોવરનો નવો રસ્તો ખુલતા ચીનને પરેશાની
8મી મેના રોજ ઉત્તરાખંડથી માનસરોવર માર્ગને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ રસ્તો ખુલવાથી ચીનની પરેશાની વધુ વધી ગઈ. આ રસ્તો ધારચૂલાને લિપલેક પાસ સાથે જોડે છે. જે આ માર્ગ પર ભારતની સરહદમાં પડે છે. જો કે આ રસ્તાનો મુખ્ય ઉદ્દેશ્ય માનસરોવરના યાત્રીઓની સુવિીધા છે પરંતુ તેનાથી રણનિતિક રીતે મહત્વપૂર્ણ ટ્રાઈ જંકશન સુધી સૈનિકોને અવરજવર કરવામાં સરળતા પડશે. ચીને અહીં નેપાળને આગળ કર્યું અને એક નવો નક્શો રજુ કરાવ્યો જેમાં ભારતના અનેક હિસ્સા નેપાળમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ તમામ જગ્યાઓ પર લાંબા સમયથી ભારતનો જ કબ્જો છે. નેપાળને ક્યારેય આપત્તિ થઈ નથી. અહીં ચીને નેપાળને પોતાની રણનીતિ શિખવાડી એટલે કે જૂની સંધિઓ અને નક્શાને નકારીને તથ્યોને તોડી મરોડીને નવો વિવાદ રજુ કરવો. 

ભારત ચીનના કોઈ દબાણ આગળ ઝૂકશે નહીં
ભારતે 2017માં ડોકલામ તણાવ દરમિયાન ચીનને એકદમ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ચીનના કોઈ પણ દબાણ આગળ તે ક્યારેય નમશે નહીં અને ન તો તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની પોતાની ઝડપને ઓછી કરશે. ચીનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પણ 18 મેના રોજ ભારતીય રક્ષા મંત્રાલયે સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના કામમાં ઝડપ લાવવા માટે બનાવવામાં આવેલી શેકટકર કમિટીની ભલામણોને લાગુ કરી દીધી. જે મુજબ સરહદ પર નિર્માણ માટે જવાબદાર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને પોતે નિર્ણય લેવા માટે નિર્ધારિત રકમને 7.5 કરોડથી વધારીને 100 કરોડ કરવામાં આવી. આ સાથે જ કામની ઝડપ વધારવા માટે નવી ટેક્નોલોજી અને કેટલાક નવા પ્રોજેક્ટ્સને આઉટસોર્સ કરવા જેવા નિર્ણય પણ સામેલ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news